ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીએ મહુન્દ્રા ગામના ગૌ સત્વ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીઘી : ૧૦ ગામના ખેડૂતો સાથે કૃષિ ગોષ્ઠિ કરી
ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીએ મહુન્દ્રા ગામના ગૌ સત્વ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીઘી : ૧૦ ગામના ખેડૂતો સાથે કૃષિ ગોષ્ઠિ કરી
કલેકટરશ્રીએ મહુન્દ્રા ગામની ગ્રામ પંચાયત, આંગણવાડી અને શાળાની મુલાકાત લીઘી : ગામમાં વૃક્ષારોપણ કર્યું સાથે આંગણવાડીમાં અપાતા પૌષ્ટિક આહારની ગુણવત્તાની ચકાસણી કરી
ગાંધીનગર: બુધવાર:
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે એ મહુન્દ્રા ગામમાં આવેલા ગીર ગૌ-સત્વ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીઘી હતી. આ પ્રસંગે આસપાસના ૧૦ ગામના ખેડૂતો સાથે કૃષિ ગોષ્ઠિ કરી હતી. કલેકટરશ્રીએ મહુન્દ્રા ગામની ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી અને શાળાની પણ મુલાકાત લીઘી હતી.
મહુન્દ્રા ગામમાં આવેલા શ્રી અલ્પેશ ચૌધરીના ગીર ગૌ – સત્વ પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ખેડૂતોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ આપણો સાંસ્ક્રુતિક વારસો જાળવી પ્રકૃતિ તરફ પાછા વળી પ્રાકૃતિક કૃષિ અપનાવવા ઉપસ્થિત સર્વે ખેડૂતોને હાંકલ કરી હતી. તેમણે દરેક તાલુકામાં ૫ ગામ દીઠ ક્લસ્ટર બનાવી ખરીફ ઋતુ દરમિયાન દરેક ગામમાં ૪ તાલીમનું આયોજન કરવાનો ઉમદા વિચાર રજૂ કર્યો હતો. દરેક ગામમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે પ્રાકૃતિક કૃષિની સઘન તાલીમ આપવા તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવા ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ અવસરે ગીર ગૌ-સત્વ પ્રાકૃતિક કૃષિ ફાર્મના પ્રગતિશીલ ખેડૂત શ્રી અલ્પેશભાઈ બાબુભાઇ પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના અનુભવો રજૂ કરાયા હતા. તેઓ ગૌ-આધારિત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન કરી ધુપ સ્ટીક, ગોનાઇલ, સાબુ, દૂધ, દેશી ઘી, સીંગ તેલ જેવી અલગ અલગ ૧૦ પ્રકારની પ્રાકૃતિક પ્રોડક્ટ બનાવી બજારમાં વેચે છે તે અંગેની માહિતી આપી હતી.જિલ્લા કલેકટરશ્રીએ ૮૦ ગીર ગાય ઘરાવતી પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ગીર-ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી.
ત્યારબાદ તેમણે મહુન્દ્રા ગામની ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઇને દફતર ચકાસણી કરી હતી. તલાટી, સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો અને અગ્રણીઓ સાથે ગામના વિકાસ સંદર્ભે ચર્ચા કરી હતી. ગ્રામજનો દ્વારા રોડ, રસ્તા, પાણી વીજળી અને અન્ય પ્રાથમિક જરૂરિયાતની સુવિધાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગામમાં વૃક્ષારોપણ કરીને સર્વે ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી હતી.
કલેકટરશ્રી મહુન્દ્રા ગામ ખાતે આંગણવાડીની મુલાકાત પણ ગયા હતા. અહીં તેમણે બાળકોને આપવામાં આવતાં પૌષ્ટિક આહારની ગુણવત્તાની ચકાસણી કરી હતી. તેમજ ભૂલકાઓ અને આંગણવાડીની કાર્યકર બહેનો સાથે વાતચીત કરી હતી. તેમણે શાળાની મુલાકાત લઇને એક શિક્ષકની ભૂમિકા અદા કરી હતી. અને બાળકોના જ્ઞાનની ચકાસણી કરી હતી.
આ મુલાકાત દરમ્યાન ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી મલય ભુવા, આત્માના પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી જે.એમ.વરમોરા સહિત સંબંધિત અધિકારીઓ, સરપંચ અને ગામના અગ્રણીઓ જોડાયા હતા.
ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીએ મહુન્દ્રા ગામના ગૌ સત્વ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીઘી : ૧૦ ગામના ખેડૂતો સાથે કૃષિ...
Posted by Info Gandhinagar GoG on Wednesday, July 3, 2024

 
 
 
Comments
Post a Comment